જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા
ૐ જયો જયો મા જગદંબે
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા
ૐ જયો જયો મા જગદંબે
તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા
ૐ જયો જયો મા જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં
ૐ જયો જયો મા જગદંબે
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા
ૐ જયો જયો મા જગદંબે
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર માર્યો
નર-નારીના રુપે, નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા
ૐ જયો જયો મા જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા મા
ૐ જયો જયો મા જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા, મા આઇ આનંદા
સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો મા
ૐ જયો જયો મા જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરબ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા
ૐ જયો જયો મા જગદંબે
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા
ૐ જયો જયો મા જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબામા, મા બહુચરી અંબામા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે
તેરસે તુળજારૂપ, તું તારુણી માતા, મા તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં
ૐ જયો જયો મા જગદંબે
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહ-વાહની મા
ૐ જયો જયો મા જગદંબે
પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા
વશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા, મા ગાઇ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે
સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા, મા સોળશે બાવીસમા
સંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે
ત્ર્યંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
સોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી
ૐ જયો જયો મા જગદંબે
શિવશક્તિની આરતી, જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
ૐ જયો જયો મા જગદંબે
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો
ૐ જયો જયો મા જગદંબે
ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા, મા ના જાણુ સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવા
ૐ જયો જયો મા જગદંબે
આદ્યશક્તિ – આદિ + શક્તિ (an epithet of Durga = the goddess Amba Bhavanee) સામાન્યતઃ આદ્યાશક્તિ લખવામાં આવે છે, પણ સાચો શબ્દ આદ્યશક્તિ છે.
તરવેણી – ત્રિવેણીનું અપભ્રંશ (ત્રણ નદીનો સંગમ)
સચરાચર – સર્વત્ર
સહસ્ર – ૧૦૦૦ હજાર, આ શબ્દનો સાચો ઉચ્ચાર સ-હ-સ્-ર છે જયારે સામાન્યતઃ લોકો તેનો ઉચ્ચાર સ-હ-સ્-ત્-ર કરે છે.
પંચે તત્વો – પાંચ તત્વો (પૃથ્વી જળ, તેજ, આકાશ, વાયુ) જેમાંથી આપણુ શરીર બન્યું છે.
મહિષાસુર એક રાક્ષસનું નામ
ગિરિજા – હિમાલયની પુત્રી, મા પાર્વતી
આનંદા – આનંદ આપનારી
નવકુળ – નાગના નવકુળ (અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલીય)
કાત્યાયની – દુર્ગાનું સ્વરૂપ જેની આરાધનાથી ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.
નવદુર્ગા – દુર્ગાના નવ રૂપો (શૈલ્યપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કુષમાંડા, સ્કંધમાતા, કાત્યાયીની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદા)
કાળ ભૈરવ – શિવનો એક ગણ
ચંડી – ક્રોધી
One Response »