મા પાવાગઢથી ઊતર્યા મંગળવાર, સપ્ટેમ્બર 26 2006 

મા પાવાગઢથી ઊતર્યા, મહાકાળી રે,
વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે.

મા ચાંપાનેરના ચાર ચૌટા મહાકાળી રે,
મા પરવરીયા ગુજરાત પાવાગઢવાળી રે….

મા સોનીડો લાવે ઝાંઝરી, મહાકાળી રે,
મારી બહુચર માને કાજ, પાવાગઢવાળી રે….

મા માળીડો લાવે ફુલડાં મહાકાળી રે,
મારી કાળકા માને કાજ, પાવાગઢવાળી રે….

મા કુંભારી લાવે ગરબો મહાકાળી રે,
મારી અંબે માને કાજ, પાવાગઢવાળી રે….

Advertisements

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા મંગળવાર, સપ્ટેમ્બર 26 2006 

કવિ- હરીન્દ્ર દવે  

લીલું પાન

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યા,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યા,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યા,
જાણે પગરવની દુનિયામાં શોર થયો,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં, તમે યાદ આવ્યા.

કાળજા કેરો કટકો શનિવાર, સપ્ટેમ્બર 23 2006 

નાનપણમાં કવિ દાદનું કાળજા કેરો કટકો સાંભળ્યું હતું. ઘણા સમય પહેલાં ફરી આ ગીત પાટડી ગુજરાત ગણિત મંડળનાં 33મા અધિવેશનમાં યોજાયેલ ડાયરામાં સાંભળવા મળ્યું.  હમણાં (16, સપ્ટેમ્બર 2006) દૂરદર્શન ગુજરાતી પર કવિ દાદને સાક્ષાત એ ગીત ગાતા સાંભળીને આંખની કિનારી ખૂબ ભીંજાઇ. જેટલું અને જેવું યાદ રહ્યું તેટલું ગીત અત્રે પ્રસ્તુત છે.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

રાહુ બની ઘુઘટડો આજ
મારા ચાંદને ગળી ગ્યો 
         કાળજા કેરો કટકો 

ડુંગરા જેવડો ઊંબર લાગે,
પાધર પરદેશ થ્યો
…….
સો સો ગાઉનો થ્યો. 
         કાળજા કેરો કટકો 

આંબલીપીપળી ડાળ બોલાવે 
એકવાર હામું જો
અરે ધુમકા દેતી જે ધરામાં
ઈ આરો અણહર્યો
         કાળજા કેરો કટકો 

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો
હે દાદ હું જોતો રિયો
જાન ગઈ જાણે જાન લઈને 
આ સૂનો માંડવડો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

પ્રથમ પોસ્ટ સોમવાર, સપ્ટેમ્બર 11 2006 

મિત્રો,

 આ બ્લોગમાં તમારું સ્વાગત છે. આમ તો મારો બીજો બ્લોગ છે જે ફક્ત પદ્ય માટે સુરક્ષિત છે. અહીં તમને બીજું પણ ઘણું બધું વાંચવા મળશે. જોઇએ કેટલો સમય મને મળે છે.

દિનેશ કારીઆ.