પ્રથમ સરસ્વતી મા તને પાય લાગું,
વળી ને વળી હું રસિક વાણી માગું
;
ભવોભવ ભવાની કરું સ્તુતિ તારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

આઇ તું સકળ વિશ્વની મૂળ માયા,
હરીહર વિરંચી ત્રિગુણાત્મ જાયા
;
રચ્યો સર્વ સંસાર તેં સુખકારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

તારી કીર્તિ કહેવા મુને આશ પુરી,
આઇ દાસ સ્થાપી દ્યો વાણી મધુરી
;
વદનમાં વસો બ્રહ્મ કન્યાકુમારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

મારે માત તું તાત તું ભ્રાત ભગ્નિ,
સહોદર પરીવાર તું મુજ વગ્ની
;
તારે શર્ણ છું હું જ ત્રિશુળધારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

નથી જાણતો ધર્મ ખટ્ કર્મ સેવા,
નથી જાણતો જપ તપ દાન દેવા
;
તારા નામનો છે ભરોસો જ ભારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

નથી જાણતો વેદ કે મંત્ર વિદ્યા,
સકળ શાસ્ત્રનું સાર તું સર્વ સિદ્યા
;
મને ભક્ત જાણી મેલો ભવ તારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

મહામૂઢ મતિહિણ હું છું ભવાની,
તમારી કરી વાત સર્વે થવાની
;
કોને જઇ ભજું તુમ વિના માત મારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

પડી પિંડને પેટની વેઠ મોટી,
તેણે જ્ઞાનની વાત કીધી છે ખોટી
;
મારાં દુઃખ દારીદ્ર નાખો વિદારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

હું તો દીન દૂર્બળ થઇ શરણે આવ્યો,
વળી ભગવતી ભક્ત તારો કહેવાયો
;
તેની લાજ છે તુંને સારી નઠારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

ભણે સાંભળે વિનંતી ભાવ આણી,
તેને દાસ સ્થાપે ખોડિયાર દીન જાણી
;
મહાપાપના તાપથી લ્યો ઉગારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

કાલીદાસની વિનંતી મન આણો,
મુને દાસના દાસનો દાસ જાણો
;
ધરી દ્રષ્ટિ મીઠી મુને રાખો ઠારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

Advertisements