કલ્યાણ મંગળવાર, ઓક્ટોબર 3 2006 

સૌનું કરો કલ્યાણ દયાળુ દેવી સૌનુ કરો ક્લ્યાણ

નરનારી પશુ પક્ષીની સાથે (૨) જીવ જંતુનું તમામ દયાળુ‌…

જગના વાસીઓ સૌ સુખ ભોગવે આનંદે રહી આઠો જામ દયાળુ‌…

દુનિયામાં દરદ દુકાળ પડે નહી (૨) લડે નહીં કોઇ ગામ દયાળુ‌…

સર્વ જગે સુખકારી વધે ને (૨) વળી વધે ધન ધાન દયાળુ‌…

કોઇ કોઇનું બુરૂં ન ઇચ્છે (૨) સૌનું ઇચ્છે સૌ સમાન દયાળુ‌…

પોતપોતાના ધર્મ પ્રમાણે (૨) સર્વે ભજે ભગવાન દયાળુ‌…

Advertisements

સાત વાર મંગળવાર, ઓક્ટોબર 3 2006 

મા આદિત્ય આંનંદ આજ અંબા નીરખી રે

ગુણ ગાવા મન ઉભરાય હૈયું હરખી રે

મા સોમે હરી શુધ બુધ દર્શન આપી રે

વણમૂલે કીધો દાસ દુઃખડાં કાપી રે

મા ભોમે ભવાની માત મુજને વ્હાલાં રે

થઇ વાઘની ઉપર સ્વાર ત્રિશૂલ ઝાલી રે

મા બુધે બાળ સ્વરૂપ નીરખી તમારાં રે

મા બેઠાં સજી શણગાર ગબ્બરવાળાં રે

મા ગુરૂવાર સોહાય ગરુડાસ્વારી રે

મા અકળ ગતિ ના કળાય મૈયા તમારી રે

મા શુક્રવાર સમી સાંજ જાઉં બલિહારી રે

કરી પંચતીરથ યાત્રા કે મૈયા તમારી રે

મા શનિવાર સંતાપ તનમાં થાયે રે

કરી દર્શન સહુકો સંગ પંથ પળાયે રે

આ સાતવાર જે ગાય સુખી તે થાશે રે

ચંદ દાસ તારાને તે અંબે ગુણ ગાશે રે

રસિક વાણી સોમવાર, ઓક્ટોબર 2 2006 

પ્રથમ સરસ્વતી મા તને પાય લાગું,
વળી ને વળી હું રસિક વાણી માગું
;
ભવોભવ ભવાની કરું સ્તુતિ તારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

આઇ તું સકળ વિશ્વની મૂળ માયા,
હરીહર વિરંચી ત્રિગુણાત્મ જાયા
;
રચ્યો સર્વ સંસાર તેં સુખકારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

તારી કીર્તિ કહેવા મુને આશ પુરી,
આઇ દાસ સ્થાપી દ્યો વાણી મધુરી
;
વદનમાં વસો બ્રહ્મ કન્યાકુમારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

મારે માત તું તાત તું ભ્રાત ભગ્નિ,
સહોદર પરીવાર તું મુજ વગ્ની
;
તારે શર્ણ છું હું જ ત્રિશુળધારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

નથી જાણતો ધર્મ ખટ્ કર્મ સેવા,
નથી જાણતો જપ તપ દાન દેવા
;
તારા નામનો છે ભરોસો જ ભારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

નથી જાણતો વેદ કે મંત્ર વિદ્યા,
સકળ શાસ્ત્રનું સાર તું સર્વ સિદ્યા
;
મને ભક્ત જાણી મેલો ભવ તારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

મહામૂઢ મતિહિણ હું છું ભવાની,
તમારી કરી વાત સર્વે થવાની
;
કોને જઇ ભજું તુમ વિના માત મારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

પડી પિંડને પેટની વેઠ મોટી,
તેણે જ્ઞાનની વાત કીધી છે ખોટી
;
મારાં દુઃખ દારીદ્ર નાખો વિદારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

હું તો દીન દૂર્બળ થઇ શરણે આવ્યો,
વળી ભગવતી ભક્ત તારો કહેવાયો
;
તેની લાજ છે તુંને સારી નઠારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

ભણે સાંભળે વિનંતી ભાવ આણી,
તેને દાસ સ્થાપે ખોડિયાર દીન જાણી
;
મહાપાપના તાપથી લ્યો ઉગારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

કાલીદાસની વિનંતી મન આણો,
મુને દાસના દાસનો દાસ જાણો
;
ધરી દ્રષ્ટિ મીઠી મુને રાખો ઠારી,

                            કૃપારૂપ જગદંબા આનંદકારી

માતાજીનુ સ્તવન સોમવાર, ઓક્ટોબર 2 2006 

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદ્‌બુદ્ધિ આપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ભુલો પડી ભવરણે ભટકું ભવાની
સુઝે નહી લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઊતાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
આ રંકને ઊગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાંય તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ના કર્મ જન્મ કથની કરતાં વિચાર્યું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારૂં
કોને કહું કઠણ યોગ તણા બળાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી ભરેલો
દોષો થકી દૂષિત ના કરી માફી આપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું
ના મંત્ર કે સ્તુતિ કથા કાંઇ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
રે રે ભવાની બહુ ભૂલ થઇ છે મારી
આ જીંદગી થઇ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાંય છાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણું મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
પાપે પ્રપંચ કરવા બધી વાતે પુરો
ખોટો ખરો પણ ભગવતી હું તમારો
જાડ્યાંધકાર દૂર કરી સદ્‌બુદ્ધિ આપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
શીખે સુણે રસિક છંદ એક ચિતે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
શ્રી સદ્‌ગુરુના શરણમાં રહીને યચું છું
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું
સદ્‌ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
અંતર વિષે અધિક ઊર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મુડાણી
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદ્‌બુદ્ધિ આપો
મામ્‌પાહી ૐ ભગવતી ભવ દુઃખ કાપો

વિશ્વંભરી – આખા જગતનું પોષણ કરવાવાળી મા
ઊતાપો – ભય, ચિંતા
બાંય – હાથ
વાધે – વધે છે

માતાજીની આરતી સોમવાર, ઓક્ટોબર 2 2006 

જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા

ૐ જયો જયો મા જગદંબે

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા

ૐ જયો જયો મા જગદંબે

તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાં
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા

ૐ જયો જયો મા જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં

ૐ જયો જયો મા જગદંબે

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો મા

ૐ જયો જયો મા જગદંબે

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર માર્યો
નર-નારીના રુપે, નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે મા

ૐ જયો જયો મા જગદંબે

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા મા

ૐ જયો જયો મા જગદંબે

અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા, મા આઇ આનંદા
સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો મા

ૐ જયો જયો મા જગદંબે

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરબ્રહ્મા

ૐ જયો જયો મા જગદંબે

દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા

ૐ જયો જયો મા જગદંબે

એકાદશી અગીયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા

ૐ જયો જયો મા જગદંબે

બારસે બાળા રૂપ, બહુચરી અંબામા, મા બહુચરી અંબામા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમા

ૐ જયો જયો મા જગદંબે

તેરસે તુળજારૂપ, તું તારુણી માતા, મા તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં

ૐ જયો જયો મા જગદંબે

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહ-વાહની મા

ૐ જયો જયો મા જગદંબે

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા
વશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા, મા ગાઇ શુભ કવિતા

ૐ જયો જયો મા જગદંબે

સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા, મા સોળશે બાવીસમા
સંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે

ૐ જયો જયો મા જગદંબે

ત્ર્યંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી
સોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી

ૐ જયો જયો મા જગદંબે

શિવશક્તિની આરતી, જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે

ૐ જયો જયો મા જગદંબે

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો

ૐ જયો જયો મા જગદંબે

ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા, મા ના જાણુ સેવા
વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવા

ૐ જયો જયો મા જગદંબે

આદ્યશક્તિ આદિ + શક્તિ (an epithet of Durga = the goddess Amba Bhavanee) સામાન્યતઃ આદ્યાશક્તિ લખવામાં આવે છે, પણ સાચો શબ્દ આદ્યશક્તિ છે.

 

તરવેણી ત્રિવેણીનું અપભ્રંશ (ત્રણ નદીનો સંગમ)

સચરાચર સર્વત્ર

સહસ્ર ૧૦૦૦ હજાર, આ શબ્દનો સાચો ઉચ્ચાર સ-હ-સ્-ર છે જયારે સામાન્યતઃ લોકો તેનો ઉચ્ચાર સ-હ-સ્-ત્-ર કરે છે.

પંચે તત્વો પાંચ તત્વો (પૃથ્વી જળ, તેજ, આકાશ, વાયુ) જેમાંથી આપણુ શરીર બન્યું છે.

મહિષાસુર  એક રાક્ષસનું નામ

ગિરિજા હિમાલયની પુત્રી, મા પાર્વતી

આનંદા આનંદ આપનારી

નવકુળ નાગના નવકુળ (અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલીય)

કાત્યાયની દુર્ગાનું સ્વરૂપ જેની આરાધનાથી ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.

નવદુર્ગા દુર્ગાના નવ રૂપો (શૈલ્યપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કુષમાંડા, સ્કંધમાતા, કાત્યાયીની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદા)

કાળ ભૈરવ શિવનો એક ગણ

ચંડી ક્રોધી